સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિની પાવન પધરામણી: ટંકારામાં 1 સપ્તાહનું રોકાણટંકારા : ટંકારા સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ગત તા.7ના રોજ એક પરમ મંગલમય અને ઐતિહાસિક અવસર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય સાધનાસમ્રાટ ગુરુદેવ ભાવચન્દ્રજી સ્વામી (મહારાજ સાહેબ), ગુજરાત ગૌરવ ડો. નિરંજનચંદ્રજી સ્વામી આદિ ઠાણા-7 તથા મહાસતીજીઓએ ટંકારા ગામમાં પાવન પધરામણી કરી છે. આ દિવ્ય મહોત્સવને લઈને સમગ્ર ટંકારા પંથકના જૈન તેમજ જૈનેતર સમાજના હૈયામાં અનેરો આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો હતો.આચાર્ય ભગવંત અને સંત મંડળના સામૈયા માટે અનોખી તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જૈન સમાજના ભાઈઓ-બહેનો, ગણમાન્ય શ્રાવક-શ્રાવિકાઓ તેમજ અગ્રણી નગરજનોએ સ્વાગત સામૈયા કર્યા હતા. મહારાજ સાહેબ આગામી 1 અઠવાડિયા સુધી ટંકારાની નગરીને પાવન કરવા માટે રોકાણ કરશે. આ મહોત્સવના મુખ્ય લાભાર્થી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર છે.ટંકારા જૈન સમાજ અને અગ્રણીઓ દ્વારા નગરના તમામ શ્રાવક-શ્રાવિકાઓ, ભગિનીઓ, જૈનેતર ભાઈ-બહેનો અને સમગ્ર ટંકારાના નગરજનોને આ પરમ પવિત્ર અવસરે ઉપસ્થિત રહી આચાર્ય ભગવંતના દર્શન, વંદન અને મનનીય વ્યાખ્યાનનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે. સૌ નગરજનોને સમયસર ઉપસ્થિત રહી શાસન પ્રભાવના વધારવા સંઘ પ્રમુખ રાજુભાઈ ગાંધીએ અંતમાં જણાવ્યું છે.#Tankara #JainSamaj #AcharyaBhavchandrajiSwami #TankaraNews #MorbiUpdate #Jainism #GujaratNews