પૈસાની લેતીદેતીના ઝઘડામાં ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરવાના કેસમાં મોરબી સેશન્સ કોર્ટનો ચુકાદો જાહેરમોરબી: વાંકાનેર બાઉન્ડ્રી પાસે વર્ષ ૨૦૨૩માં થયેલ હત્યાના કેસમાં મોરબીની બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. પૈસાની લેતીદેતી બાબતે થયેલા ઝઘડામાં આરોપીએ છરી વડે ગળાના ભાગે ઘા ઝીંકી આ હત્યા નીપજાવી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.આ કેસની વિગત મુજબ, આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગળસિંહ રાજાવત (રહે. હાલ રંગપર, તા. વાંકાનેર, મૂળ. મધ્યપ્રદેશ) અને મરણ જનાર રાજુકુમાર જીવલાલ પ્રજાપતી (રહે. રાજકોટ) બંને મિત્રો હતા અને સાથે કલરકામની મજૂરી કરતા હતા. મરણ જનાર ભાડાના તથા બીજા ખર્ચાના પૈસા ચૂકવતો હતો, જે પૈસા તેણે આરોપી પાસે પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપી જીતેન્દ્રસિંહે પોતાની પાસે રહેલી છરી વડે મરણ જનાર રાજુકુમારને ગળાના ભાગે ઘા મારી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડીને મોત નીપજાવ્યું હતું. આ ઘટના તા. ૨૧/૦૩/૨૦૨૩ ના રોજ સવારના સાડા દસથી અગિયાર વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઈવે રોડની ગોલાઈની ઝાડીમાં બની હતી.આ સેશન્સ કેસ (નં - ૫૦/૨૦૨૩) મોરબીની બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો છે. જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને ન્યાયાધીશે આખરી હુકમ સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ મુજબના હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જ્યુડિશિયલ કસ્ટડીમાં વિતાવેલો સમય સજામાં મજરે આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.#MorbiUpdate #Morbi #MorbiNews #Wankaner #MurderCase #CrimeNews #CourtVerdict #LifeImprisonment #MorbiCourt