મોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2020માં નોંધાયેલા પોક્સો કેસમાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તારીખ 10/10/2020 ના રોજ આરોપી સંજય રાણાભાઈ સોલંકીએ 17 વર્ષની સગીરાનું લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. આરોપીએ સગીરાને બદકામ કરવાના ઇરાદે લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી જાતીય હુમલો કર્યો હતો. આ મામલે ફરીયાદીએ ફરીયાદ આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી સંજય રાણાભાઈ સોલંકી (ઉ.32) જે મૂળ થાનગઢનો રહેવાસી છે અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કોટા સીરામીકની મજૂર ઓરડીમાં રહેતો હતો. તેની સામે મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ એન. ડી. કારીયા દ્વારા સરકાર પક્ષે રજૂઆતો કરવામાં આવી હતી. ગત 30 જુલાઈ 2026ના રોજ સ્પેશિયલ જજ (પોક્સો કોર્ટ) અને એડિશનલ સેશન્સ જજ ભુમિકા કનૈયાલાલ ચંદારાણાની કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી સંજય રાણાભાઈ સોલંકીને પોક્સો એક્ટની કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને 25000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટના હુકમ મુજબ આ 25000 રૂપિયાના દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાની રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCourt #POCSO #Justice #Wankaner #CrimeNews #GujaratNews