વર્ષ 2018ના કેસમાં પોકસો કોર્ટનો મહત્વનો ચુકાદો : આરોપી 16 વર્ષની દીકરીને અપહરણ કરી ભગાડી ગયો હતોમોરબી : વાંકાનેર પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં પોકસો કોર્ટે મહત્વનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે આરોપી એવા યુવાનને 20 વર્ષની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના નવા ઢૂંવા ગામે વર્ષ 2018માં 16 વર્ષની એક દીકરીને પરેશ માનસિંગ મેર ઉ.વ.21 અપહરણ કરી કામરેજના મોરથાણા ગામે લઈ ગયો હતો. જ્યાં તેઓ અમુક મહિના રોકાયા હતા. આ દરમિયાન તેને જાતિય શોષણ પણ કર્યું હોય, દીકરીના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબી પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પરેશ માનસિંગ મેર ઉ.વ.21ને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે રૂ.25 હજારનો દંડ ભરવા પણ હુકમ કર્યો છે. વધુમાં જિલ્લા કાનૂની મંડળને રૂ.4 લાખ અને આરોપી પાસેથી દંડ પેટે મળેલ રૂ.25 હજાર મળી કુલ રૂ.4.25 લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ નીરજ કારીયા રોકાયેલ હતા.