હળવદના દુષ્કર્મ કેસમાં કાચા કામના કેદી એવા આરોપીએ મોડીરાત્રે ગળેફાંસો ખાઈ લીધો મોરબી : નવરાત્રી દરમિયાન હળવદ પંથકની સગીરાને લગ્નની લાલચે અપહરણ કરવાના કેસના આરોપીએ ગત મોડી રાત્રે મોરબીની સબજેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સબજેલમાં ગઈકાલે મોડીરાત્રે કાચા કામના કેદી એવા વિશાલ ગોબરભાઈ ચોવસિયા નામના યુવાને બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘતા કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મોરબી સબજેલમાં આપઘાત કરી લેનાર આરોપી વિશાલ ગોબરભાઈ ચોવસિયા મૂળ જસદણ પંથકનો રહેવાસી હોવાનું અને હળવદ પંથકની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયા બાદ આરોપી વિરુદ્ધ 363, 366, 376(2) પોકસો અને એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધાતા તાજેતરમાં જ ભોગ બનનાર અને આરોપી ઝડપાઇ ગયા બાદ વિશાલને કાચા કામના કેદી તરીકે મોરબી સબજેલમાં મોકલી અપાયો હતો જ્યાં ગતરાત્રીના ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે જેલતંત્રમાં દોડધામ મચી ગઇ છે અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એડી નોંધાવવા તજવીજ શરૂ થઈ છે.