વર્ષ 2021માં બહેન સાથે પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી યુવકની આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી હતી મોરબી : માળિયા મિયાણાના વર્ષામેડી ગામમાં વર્ષ 2021માં બહેન સાથે પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી યુવકની છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારવાનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના વર્ષામેડી નજીક આરોપી દીનેશ ઉર્ફ નીનો પ્રભુભાઇ મહાલીયા રહે.વર્ષામેડી વાળાએ તા.21/5/2021ના રોજ સાંજે પોતાની બહેન જિજ્ઞાસા સાથે પ્રેમલગ્ન કરનાર હરેશભાઇ ભરતભાઈ વાઘેલાની છરીના ઘા મારી હત્યા કરી હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના માતા ભાનુબેન ભરતભાઇ વાઘેલાએ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પાસાઓ ધ્યાને લઇ આરોપી દિનેશભાઈ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાને કલમ-૩૦૨ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે આરોપીએ રૂા.૨૦,૦૦૦/- નો દંડ ભરવાનો અને દંડ નહી ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ વિજય જાની રોકાયેલ હતા.