મોરબીમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલા 7 વર્ષના બાળકના અપહરણ કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબીના ઘુંટુ રોડ પરની ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ 7 વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરા 3 જૂને સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારે જામનગર પોલીસે આરોપીને બાળક સાથે ઝડપીને મોરબી પોલીસને સોંપ્યો હતો. આરોપીને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીને બે દિવસના એટલે કે મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપી માનસિક સાયકો હોવાના કારણે આ પગલું ભર્યું હતું. આરોપી રાજેશે બાળકને ક્યાંય પણ ઇજા પહોચાડેલ નથી. જો કે આ મામલે પોલીસે હજુ કોઈ અપહરણનું સતાવાર કારણ જાહેર કર્યું નથી.