તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયામોરબી : મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયા નામના યુવાનને પગારના બદલે ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા કરનાર રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી અને ડી.ડી.રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ ગઈકાલે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.બીજી તરફ નામદાર મોરબી કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા ગંભીર પ્રકારના આ બનાવમાં તપાસ માટે આરોપીઓને 10 દિવસના રિમાન્ડ આપવા તપાસનીશ અધિકારી વતી માંગણી કરતા નામદાર અદાલતે બન્ને પક્ષની દલીલો બાદ વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી સહિત તમામ છ આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.