સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો, અન્ય 4 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયામોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મ અંગેના પોક્સો કેસમાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સ્પેશિયલ જજ (પોક્સો કોર્ટ) અને એડિશનલ સેશન્સ જજ દ્વારા મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.કેસની વિગત મુજબ, ગત તારીખ 13-02-2024 ના રોજ મોરબીમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનારના પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ સંજય સી. દવે અને નિરજ ડી. કારીઆ દ્વારા 17 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી નંબર 1 વનરાજસિંહ ઉર્ફે નનુભા બચુભા ઝાલાને આઇપીસી કલમ 363, 366, 376(2)(j)(n), 376(3), પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવ્યો છે. કોર્ટે પોક્સો એક્ટની કલમ 6 અન્વયે આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 25000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ 3 વર્ષની સખત કેદની સજા પણ ફટકારવામાં આવી છે, અને આ તમામ સજાઓ આરોપીએ એકસાથે ભોગવવાની રહેશે.આ ગુનામાં મદદગારી કરવાના આક્ષેપ હેઠળ ઝડપાયેલા અન્ય 4 આરોપીઓ - વિજુભા ઉર્ફે વિજયભાઈ ચેહુભા ઝાલા, મંગુભા બચુભા અભેસિંહ ઝાલા, દોલુભા ઉર્ફે દોલુ બચુભા ઝાલા અને શક્તિસિંહ ઉર્ફે ટીનુભા બાબુભા વાઘેલાને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યા છે. કોર્ટે આરોપીના દંડની રકમમાંથી 50% એટલે કે રૂપિયા 12500 ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. વધુમાં, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ ભોગ બનનારને રૂપિયા 25000 નું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #POCSOAct #MorbiCourt #Justice #CrimeNews #GujaratNews