મોરબી : મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં પકડાયેલ વધુ એક આરોપી અતુલ જોશીના તા.11 સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.મોરબીના વજેપરમાં સર્વે નંબર 602ની કરોડોની કિંમતી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અગાઉ સીઆઇડી ક્રાઈમ દ્વારા આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શાંતાબેન મનજીભાઇ પરમાર રહે. લાભનગર, વેજીટેબલ રોડ, મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રહે. રબારીવાસ, મોરબીવાળાની ધરપકડ કરાઈ હતી. અને છેલ્લે મુખ્ય આરોપી તરઘરીના સરપંચ સાગર ફુલતરીયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં સીઆઇડી દ્વારા ગઈકાલે વધુ એક આરોપી તરીકે અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે તા.11ને સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે આ કેસમાં વારસાઈ નોંધ પડાવવા સહિતની કામગીરીમાં મામલતદાર, ડેપ્યુટી કલેકટર કચેરી સાથે આર્થિક વ્યવહાર કર્યા છે કે, કેમ તે સહિતની બાબતે તપાસ કરવામાં આવશે.