વરસાદી તબાહીથી ટંકારા-મોરબી વચ્ચેનો રસ્તો થયો જોખમી, વાહન ચાલકોની મુશ્કેલી વધીટંકારા : ચોમાસાના અતિભારે વરસાદને કારણે રાજકોટ-મોરબી રોડના ટંકારા થી મોરબી સુધીના માર્ગ પર ભારે નુકસાન થયું છે. આ માર્ગ પર ઠેર ઠેર મોટા-મોટા ખાડા પડી ગયા છે અને આખો રસ્તો સંપૂર્ણપણે જર્જરીત થઈ ગયો છે. આ સ્થિતિ વાહન ચાલકો માટે અત્યંત જોખમી બની છે, જેના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. આ અકસ્માતોમાં ઘાયલ થનારાઓની સંખ્યા પણ વધી રહી છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે ઘણા માર્ગોને અસર કરી છે, પરંતુ રાજકોટ-મોરબી રોડની સ્થિતિ વિશેષ રીતે ચિંતાજનક છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ખાડાઓને કારણે વાહનોનું નિયંત્રણ જતું રહે છે. જેના પરિણામે અકસ્માતો થઈ રહ્યા છે. આ માર્ગ રોજિંદા વ્યવહાર માટે મહત્વપૂર્ણ હોવાથી, આ સમસ્યા વ્યાપક અસર કરી રહી છે. મુખ્યમંત્રીની સૂચના છતાં સમારકામ ન થયું થતાં તંત્ર ઉદાસિન હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આવી મુશ્કેલીઓથી રાહદારીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને તેમને વારંવાર જોખમનો સામનો કરવો પડે છે. જો હજુ પણ હાઈવેનું સમારકામ કરવામાં નહીં આવે તો અકસ્માતો વધશે તેમ લોકો માની રહ્યા છે. જેથી સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. વિરપરના યુવા એડવોકેટ અને સામાજિક કાર્યકર કુલદીપ ચાવડાએ મુખ્યમંત્રી પોર્ટલ પર રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કરી છે કે, આ મુદ્દાને વ્યક્તિગત ધ્યાન આપીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ કાર્ય શરૂ કરવાના આદેશ આપવામાં આવે.