જર્જરિત ટાંકી પાડવાની કામગીરી વેળાએ કોઈ એન્જિનિયર કે ટેકનિકલ સ્ટાફ હાજર ન રહ્યો, સ્થાનિકોની ચેતવણી છતાં શ્રમિકોએ બેદરકારી દાખવતા દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપમોરબી અપડેટ : ટંકારા તાલુકાના હીરાપર ગામમાં આવેલો એક જર્જરિત પાણીનો ટાંકો પાડતી વેળાએ દુર્ઘટના સર્જાઈ છે. આ પાણીનો ટાંકો વિરુદ્ધ દિશામાં મકાન અને દુકાન ઉપર ધરાશાયી થતા મોટું નુકસાન થયું છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.બનાવ અંગે મળતી વિગતો મુજબ, હીરાપર ગામના પાટિયા પાસે આવેલો પાણીનો ટાંકો અત્યંત જર્જરિત હાલતમાં હતો. જેને પગલે આજે તેને પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અચાનક ટાંકો સુનિશ્ચિત જગ્યાએ પડવાને બદલે સામેની બાજુએ ધડાકાભેર તૂટી પડ્યો હતો. ટાંકો અચાનક ખોટી દિશામાં પડવાને કારણે બાજુમાં રહેલા મકાન અને દુકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત અંદર રહેલી ઘરવખરી અને અન્ય સાજોસામાન પણ નુકસાન પામ્યો હોવાની વિગતો સાંપડી છે. જોકે, આ ઘટનામાં મોટી રાહતની વાત એ છે કે સદભાગ્યે જાનહાનિ ટળી છે. ગામના આગેવાન રાજુભાઇ પટેલના જણાવ્યા અનુસાર હીરાપર ગામે ઘણા સમયથી જર્જરિત પાણીની ટાંકી ઉભી હતી. ગ્રામ પંચાયતની રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગ તરફથી તેને તોડી પાડવાની મંજૂરી મળતા તંત્રની ટીમે કામગીરી શરૂ કરી હતી. પરંતુ ટાંકી પાડતી વખતે સ્થળ પર કોઈ જવાબદાર એન્જિનિયર કે ટેકનિકલ અધિકારી હાજર રહ્યા ન હતા અને આખી કામગીરી મજૂરોના ભરોસે છોડી દેવામાં આવી હતી. ટાંકી પાડવા માટે નીચે પાયામાં ગિસી મારતી વખતે સ્થાનિક યુવાનોએ મજૂરોને 3 વખત ચેતવણી આપી હતી કે આ બાજુ ગિસી ન મારો નહિતર ટાંકી મકાન તરફ પડશે. તેમ છતાં મજૂરોએ 'અમે ટાંકો પાડી દેશું' તેમ કહી ચેતવણી ગણકારી ન હતી અને મનસ્વી રીતે કામ ચાલુ રાખ્યું હતું. પરિણામે, ટાંકી મકાન બાજુ જ કડડભૂસ થઈને પડી હતી. આ દુર્ઘટનામાં હીરાપરના રહીશ રજનિકભાઈ સવજીભાઈ સવસાણીનું મકાન અને તેને અડીને આવેલી દુકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયા છે. મકાન અને દુકાનમાં અંદર રહેલો તમામ સામાન તથા ઘરવખરી નાશ પામતા મોટું નુકસાન થયું છે. ટાંકી પાડવાની કામગીરી વખતે સેફ્ટી ખાતર આસપાસના લોકોને દૂર ખસેડી દેવાયા હોવાથી સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થવા પામી નથી. જોકે, કોઈ ટેકનિકલ સ્ટાફ રાખ્યા વગર મજૂરોના ભરોસે કામગીરી કરાવનાર તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે સરપંચ હીનાબેન ફેફરના પતિ પ્રવીણભાઈએ જણાવ્યું કે ટાંકી સાવ જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા તેને પાડવા માટે 20000 રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ રકમમાં કોન્ટ્રાક્ટર દ્વારા જ ટાંકી પાડીને તેનો મલબો પણ દૂર કરવાનો હતો. ટાંકીને સુરક્ષિત રીતે ખુલ્લી જગ્યા તરફ પાડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા 2 JCB મશીન પણ બોલાવવામાં આવ્યા હતા. મશીન દ્વારા વાયર બાંધીને કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ ટાંકી અત્યંત જર્જરિત હોવાથી તે સીધી જ નીચે બેસી ગઈ હતી અને નમવાની જગ્યાએ બાજુની દુકાન પર પડતા નુકસાની થઈ હતી. ઘટના સમયે ગામલોકો પણ ત્યાં હાજર જ હતા. મકાન અને દુકાનને થયેલા નુકસાન અંગે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરીને વળતર ચૂકવવા અંગેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.#MorbiUpdate #Tankara #Hirapar #MorbiNews #GujaratNews #Accident #MorbiDistrict #LatestNews