તમામ યુવકો મૂળ રાજસ્થાની, તેઓ મોરબીમાં રહીને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા મોરબી : મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે મૃત્યુ પામેલા પાંચેય યુવકો રાજસ્થાની હતા. તેઓ મોરબીમાં રહીને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એક મૃતક વ્યક્તિના તો હજુ પાંચેક મહીના પૂર્વે જ લગ્ન થયા હતા. વધુમાં તેઓ ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે રાત્રે જીજે 36 એફ 1059 નંબરની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. 35) રહે. ગણેશનગર, ટીંબડીના પાટિયા પાસે વાળાની સાથે તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25), અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24), વિજેન્દ્રસિંગ અને અન્ય એક વ્યક્તિ મળી કુલ 5 લોકો લક્ષ્મીનગર ખાતે આવેલી આશીર્વાદ ટ્રાન્સપોર્ટથી ઘરે પરત આવતા હતા. ત્યારે તેઓની કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિડીયો ન્યુઝ : મોરબી નજીક કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત : 5 યુવકોના મોત https://youtu.be/DZLkkdHeD50 આ બનાવ અંગે જાણ થતા ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ તાલુકા પીઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.વધુમાં જાણવા મળતી વિગત અનુસાર આનંદસિંગ ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવે છે. વિજેન્દ્રસિંગ તેમના મહેતાજી છે. જયારે બાકીના વ્યક્તિ પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે. વધુમાં આનંદસિંગના પાંચેક મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. તેવામાં ઓફિસેથી પરત આવતી વખતે કાળ ભેટી જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ સહિતના હોસ્પિટલે દોડી આવ્યા ટીંબડીના પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર પાંચેય યુવકો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના અકસ્માતની ઘટનાની જાણ થતાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાત ડાંગર અને અન્ય ટ્રાન્સપોર્ટરો હોસ્પિટલે પહોંચ્યા છે.