અજાણ્યા કારચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત હળવદ : આજરોજ હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક હાઇવે પર અજાણ્યા કારચાલકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાથે જ અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. જ્યારે બાઈકમાં સવા ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના જ ઈશનપુર ગામે રહેતા વિજયભાઈ ધીરુભાઈ (ઉંમર વર્ષ ૨૨), વિજયભાઈ નાગરભાઈ (ઉંમર વર્ષ ૩૦) અને રાયસંગભાઈ (ઉંમર વર્ષ ૨૮) ત્રણેય યુવાનો બાઈક પર શક્તિનગર પાસેથી પસાર થતાં હાઇવે પર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કૌશલ પટેલ એ જણાવ્યું હતું વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.