એરંડા વેચવા જઈ રહેલ ખેડૂતને કવાડીયા ગામના પાટિયા પાસે નડ્યો અકસ્માત હળવદ : આજે વહેલી સવારે હળવદ હાઇ-વે પર આવેલ કવાડીયા ગામના પાટીયા પાસે ધાંગધ્રા તાલુકાના બાઈસાબગઢના ખેડૂત ટ્રેક્ટર લઈ એરંડા ભરી હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા આવી રહ્યા હતા ત્યારે પાછળથી એસ.ટી.બસે ટ્રેક્ટરને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ખેડૂતનુ મોત નીપજ્યુ હતું. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામે રહેતા દિનેશભાઈ લાલજીભાઈ કોળી ઉંમર વર્ષ 46 આજે વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ ટ્રેક્ટરની ટ્રોલીમાં એરંડા ભરી હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા આવી રહ્યા હતા ત્યારે કવાડિયા ગામના પાટીયા નજીક હાઇવે પર છોટાઉદેપુર થી ટંકારા જઈ રહેલ એસટી બસએ પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અને આ અકસ્માતમાં દિનેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશભાઈ ને સંતાનમાં બે દીકરીઓ છે તેઓના પત્નીનું પણ વર્ષો પહેલા મોત નિપજ્યું હોય જેથી બંને દીકરીઓનો આધાર સ્તંભ તેના પિતા જ હતા જો કે માતા બાદ પિતા દિનેશભાઈનું પણ અકાળે અવસાન થતાં બંને દીકરીઓ નોંધારી બની ગઈ છે.