સદ્નસીબે ગેસના બાટલાઓ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી ટંકારા : આજે સવારે લજાઈ ગામ પાસે ગેસના બાટલાથી ભરેલ મીની ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે જાનહાની ટળી હોવાના અહેવાલ મળ્યા છે. આજે તા. 9 મેના રોજ વહેલી સવારે ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે મોરબી-રાજકોટ હાઈવે પરથી પસાર ગેસના બાટલાથી ભરેલ મીની ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરિણામે મીની ટ્રક પલ્ટી ખાઈ જતા ગેસના બાટલાઓ રસ્તા પર પડી ગયા હતા. તેમજ ટ્રકને અને ડમ્પરના આગળના ભાગને ખાસું એવું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે એકઠી થઇ ગયેલી ભીડને વિખેરી હતી. ગેસના બાટલા ભરેલ ટ્રકના અકસ્માતથી રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ મીની ટ્રકમાં બાટલા ખાલી હોવાની જાણ થતા તંત્ર અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ જાનહાની ના થઇ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.