મોરબી : ગુજરાત સરકાર દ્વારા ST-SC વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ અને સરકારી તથા અર્ધસરકારી લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી તે પુનઃચાલુ કરવાની માગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબીના નગર દરવાજા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિપત્રોની હોળી તથા પ્લે કાર્ડ સાથે રાખીને સૂત્રોચ્ચાર કરીને મોરબીની સમગ્ર છાત્ર શક્તિ દ્વારા બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો સરકાર દ્વારા આ વિષયોને લઈને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહિ લેવામાં આવે તો હજુ આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી તમામ ધારાસભ્યોને આવેદન પત્ર આપીને વિરોધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબીએ માગ કરી છે.