મોરબી : ગુજરાત સરકારની વિકાસની ગુલબાંગો વચ્ચે મોરબી જિલ્લાના આશરે 50 જેટલા ગામો હજુ વિકાસની રાહ જોઈ રહ્યા છે. કેમકે આ ગામોમાં એસટી બસની સુવિધા જ ઉપલબદ્ધ નથી તેવું સામે આવ્યું છે. મોરબી જિલ્લાના ઘણા અંતરિયાળ ગામોના લોકોને એસટી બસની સુવિધાના અભાવે જાનના જોખમે અસલામત એવા ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. મોરબી જિલ્લાના અંતરિયાળ ગામો પાયાની માળખાગત સુવિધાઓથી તો વંચિત છે જ સાથોસાથ આવાગમન માટેની એસટી બસની સુવિધાઓથી પણ વંચિત છે. આશરે 50 જેટલા અંતરિયાળ ગામોમાં એસટી બસની સુવિધા જ નથી. જાણવા મળતી વિગતો અનુસાર આ એવા ગામો છે જ્યાં એસટી બસની સુવિધા આપવા માટે નવા રૂટ શરૂ કરવાની જરૂરિયાત નથી પણ જે તે ગામો સુધી હાલ ચાલુ સર્વિસ લંબાવવાની જ જરૂર છે. અમુક રૂટની બસો પાંચથી દસ કિલોમીટર સુધી લંબાવવામાં આવે તો મોરબી જિલ્લાના તમામ ગામોને એસટીની સુવિધા મળી શકે એવું છે. હાલમાં ધ્રાંગધ્રા-માળીયાનો વર્ષો જૂના રૂટને ટૂંકાવીને કુંભારીયા ગામે રાત્રી રોકાણ કરાય છે. જો આ રૂટ ફરી શરૂ કરવામાં આવે તો માણબા, વાઘરવા, ખીરઇ અને માળીયાના લોકોને તેનો લાભ મળી શકે એમ છે. અગાઉનો ધ્રાંગધ્રા-માળીયા બસ સર્વિસ ટૂંકાવી દેવાથી પીપળીયા સરવડ સુધીના આજુબાજુના દસ ગામોની સુવિધા ઝુંટવી લેવાઈ છે. હાલ નિયુક્ત થયેલા વિભાગીય નિયામક પટેલ સાહેબ જો આ બાબતે યોગ્ય કરે તેવી માંગ પી.પી.જોષીએ કરી છે.