રસ્તો બનાવાનો હોવાથી દબાણ દૂર કરવામાં આવ્યું, 12 જેટલા પાકા દબાણોને નોટિસમોરબી : મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી રસ્તો બનાવવાનો હોવાથી રસ્તામાં અડચણ રૂપ ઝુંપડાઓ હતા તેના પર પાલિકાએ બુલડોઝર ફેરવીને ઝુંપડાઓ હટાવ્યા હતા. આ અંગે મોરબી નગરપાલિકાના એન્જિનિયર કેવલભાઈએ જણાવ્યું હતું કે, રસ્તો બનાવવાનો હોવાથી ઝુંપડામાં રહેતા લોકોને બે મહિના પહેલા ઝુંપડા હટાવી લેવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓએ ઝુંપડા ન હટાવતા આજ રોજ 20 જેટલા કાચા ઝુંપડા પાડી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગેટ પાસે 12 જેટલા પાકા દબાણો છે તેઓને નોટિસ આપીને બે-ત્રણ દિવસમાં દબાણો દૂર કરી દેવા જણાવ્યું છે.આ અંગે ઝુંપડાઓમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આજે ઝુંપડા પાડી નાખવામાં આવ્યા છે. જેમાં અમારી ઘરવખરી પણ અંદર રહી ગઈ છે. ઝુંપડપટ્ટીના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, આવાસ યોજના બની ત્યારે તેઓ ત્યાં રહેતા હતા. જે-તે વખતે તેઓને આવાસ ફાળવવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આવાસ ફાળવવામાં આવ્યા ન હોવાનું લોકોએ આરોપ લગાવ્યો છે.