ગીબશન મિડલ સ્કૂલમાં આગામી વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવનાર હતી પરંતુ છેલ્લી ઘડીએ રદ્દ ; હવે કોઈ ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજ સોપાશે મોરબી : મોરબી જિલ્લાને વધુ એક હળહળતો અન્યાય થયો છે. મોરબી જિલ્લાને આધુનિક હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ મંજુર કરતા મેડિકલ કોલેજ માટે જમીન પણ ફાળવી દેવામાં આવી છે અને હાલમાં ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી મેડિકલ કોલેજ સ્થાપવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી આગામી વર્ષથી મેડિકલ કોલેજમાં એડમિશન આપવા પણ નક્કી કરાયા બાદ સરકારે એક જ ઝાટકે મોરબીને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલને મંજૂરી આપી મોરબીમાં મેડિકલ કોલેજ ખાનગી સંસ્થાને સોંપવા નક્કી કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ નવરચિત મોરબી જિલ્લાને આરોગ્યક્ષેત્રે વધુ સુદ્રઢ અને સ્વાવલંબી બનાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ અંતર્ગત મેડિકલ કોલેજ સ્થાપવા અને હોસ્પિટલને આધુનિક બનાવવા માટે નક્કી કરી જીએમઈઆરએસ હેઠળ સમાવેશ કરવા નક્કી કર્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજ માટે જિલ્લા કલેકટર દ્વારા જમીન પણ ફાળવી દઈ હાલમાં ત્વરિત મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી મેડિકલ કોલેજ શરૂ કરવા નક્કી કરી આગામી શૈક્ષણિક સત્રના પ્રારંભથી મેડિકલ સ્ટુડન્ટને એડમિશન આપવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. પરંતુ તા.25 જાન્યુઆરીના ઠરાવથી ભારત સરકાર દ્વારા મોરબીને અન્યાય થાય તેવો નિર્ણય કરી મોરબીમાં સરકારી મેડિકલ કોલેજને બદલે ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજનું સંચાલન મળે તેવો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કરી મોરબી ને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય કરતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અને જનતાને ભવિષ્યમાં મોટો અન્યાય સહન કરવાની સાથે આધુનિક સરકારી હોસ્પિટલ પણ દીવા સ્વપ્ન સમાન બનશે. દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ ડો. દુધરેજીયાનો આ બાબતે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી સરકારના આ નિર્ણય અંગે તેઓને સતાવાર રીતે જાણકારી પ્રાપ્ત થઈ નથી પરંતુ મોરબીની મેડિકલ કોલેજ માટે તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો કે, મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ ન થઈ હોવાનું જણાવી રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, અગાઉ મોરબીને ગ્રીન ફિલ્ડ એટલે કે સરકારી મેડિકલ કોલેજ મળવાની હતી તેને બદલે હવે બ્રાઉન ફિલ્ડ એટલે કે ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજ મળશે જે વહેલામાં વહેલી તકે શરૂ કરવા પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ સંજોગોમાં ભારત સરકારના આ નિર્ણયને પગલે મોરબીને બહુ મોટો અન્યાય થયો હોવાનું સ્પષ્ટ બન્યું છે આ સંજોગોમાં જેમ રાજકોટને એઇમ્સ મળે તે માટે પ્રજાજનો એ અને રાજકીય મહાનુભાવોએ જે રીતે લડત ચલાવી એઇમ્સ મેળવે સંતોષ માન્યો તેમ મોરબીની પ્રજાએ અને રાજનેતાઓ મોરબીને સરકારી કોલેજ મળે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જ પડશે. મોરબીમાં મેડીકલ કોલેજ રદ નથી થઈ પણ પ્રકાર બદલાયો છે :બ્રિજેશ મરેજા મોરબી : મોરબી ખાતે ગુજરાત સરકાર અને કેંદ્ર સરકારના પુખ્ત વિચારણાના અંતે જી.એમ.ઈ. આર.એસ. હેઠળ ગ્રીન ફિલ્ડ પ્રકારની મેડિકલ કોલેજ મંજુર કરવામાં હતી તેમા ફેરફાર કરી બ્રાઉન ફિલ્ડમાં મેડીકલ કોલેજ ફેરવવામા આવી છે.મોરબીને અધ્યતન સુવિધા સાથે મેડિકલ કોલેજ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મેડિકલ કાઉન્સિલના ધારા ધોરણ મુજબ મોરબીને બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડીકલ કોલેજ મળનાર છે. અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે.એટલું જ નહી મોરબીને મળનાર મેડીકલ કોલેજ અધ્યતન હશે તેમજ મોરબીમા પણ અન્ય જિલ્લાની જેમ બ્રાઉન ફિલ્ડ હેઠળની મેડિકલ કોલેજ ટૂંક સમયમાં કાર્યરત પણ થશે. તેમ મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ સ્પષ્ટતા કરી હતી.