જાનવરોએ ડાબો હાથ ખાઈ ગયા, હાલ મૃતદેહને ફોરેન્સિક માટે ખસેડાયો મોરબી : વાંકાનેર પંથકમાં માતૃત્વને લજવતો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં કોઈ અજાણી અને કઠોર હૃદયની માતાએ પોતાની તાજી જન્મેલી બાળકીને બિનવારસી હાલતમાં તરછોડી દીધી હતી. ખુલ્લામાં રઝળતી મુકાયેલી આ માસૂમ બાળકીને રખડતા પ્રાણીઓએ ફાડી ખાતા અત્યંત કરુણ મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, અરણીટીંબા ગામમાં કોઈ અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર આ તાજી જન્મેલી બાળકીને નિઃસહાય હાલતમાં ફેંકીને જતી રહી હતી. રક્ષણવિહોણી અને બિનવારસી હાલતમાં પડેલી આ માસૂમ બાળકી પર આસપાસના રખડતા શ્વાન કે અન્ય જંગલી જાનવરો તૂટી પડ્યા હતા અને તેને બચકાં ભરીને અત્યંત ક્રૂરતાપૂર્વક પીંખી નાખી હતી. આ બાળકીનો એક હાથ જાનવરો ખાઈ ગયા હતા. ગઈકાલે રાત્રે આ ભયાવહ અને કંપારી છૂટી જાય તેવા મૃતદેહના દ્રશ્યો જોતા સ્થાનિક ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે નિર્દયી જનેતા પ્રત્યે ફિટકાર અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને પગલે વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ મૃતદેહને મોરબી ફોરેન્સિક અર્થે ખસેડવામાં આવ્યો છે. આ માસૂમ બાળકીને તરછોડનાર અજાણી મહિલાને શોધવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #Wankaner #Arnitimba #CrimeNews #WankanerPolice #MorbiNews #GujaratNews #HumanityShamed