હળવદ: હળવદ આમ આદમી પાર્ટી દ્વારા આજે નગરપાલિકા કચેરી ખાતે શહેરની ટ્રાફિક સમસ્યા, નાના ધંધાર્થીઓની રોજગારી તેમજ પાર્કિંગ વ્યવસ્થા સહિતની વિવિધ સમસ્યાને લઈ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે કે રજૂઆતનું સમય મર્યાદામાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહી રીતે આંદોલન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના હળવદ શહેર પ્રમુખ જયેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુસર નગરપાલિકા દ્વારા હાલ ચાલી રહેલ ડેમોલિશન કાર્યવાહીથી પાથરણા, લારી-ગલ્લા તથા અન્ય નાના ધંધાર્થીઓના રોજગાર પર માઠી અસર પહોંચી છે અને ઘણા લોકો રોજગારથી વંચિત બન્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આવા અસરગ્રસ્ત ધંધાર્થીઓને નગરપાલિકા હસ્તકની યોગ્ય જગ્યા ઉપર નજીવા ભાડે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે. ટ્રાફિક સમસ્યા નિવારવા રજૂઆત સાથે જ શહેરની ટ્રાફિક સમસ્યાનું કાયમી અને અસરકારક રીતે નિવારણ માટે નગરપાલિકા હસ્તકની ઉપલબ્ધ જમીનોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સુવ્યવસ્થિત પાર્કિંગ પ્લોટ ઉભા કરવામાં આવે જેથી મુખ્ય માર્ગો પર તથા બજાર વિસ્તારોમાં વાહનોના અસ્તવ્યસ્ત પાર્કિંગ થી થતી અડચણરૂપ દૂર થઈ શકે. તેમજ શહેર વિસ્તારમાં આવેલ રહેણાક પ્લોટમાં કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ થયેલ કોમર્શિયલ બાંધકામ લાગુ પડતા નિયમો અને કાયદા મુજબ તપાસ કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને કાયદા મુજબ વસૂલપાત્ર ઇમ્પેક્ટ ફી દંડ અથવા અન્ય ચાર્જ વસૂલ કરી તેને મંજૂરી આપી તેમાંથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ હળવદ શહેરના ઇન્ટફાસ્ટ્રક્ચર, ટ્રાફિક વ્યવસ્થા તથા વિકાસલક્ષી કામગીરીમાં કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વધુમાં એ પણ જણાવ્યું છે ઉપરોક્ત મુદ્દાઓને ગંભીરતાથી લઇ વધુમાં વધુ દિવસ 15માં યોગ્ય નિરાકરણ કરવામાં આવે નહીં તો પછી ગાંધીચિંધ્યા માર્ગે લોકશાહી રીતે આંદોલન કરવાની ફરજ પડશે.