આવાસના અધુરા કામનો વર્ક ઓર્ડર આગામી સપ્તાહે અપાશે, 6 મહિનામાં કામ પૂર્ણ કરાશેઃ મનપામોરબી : આવતીકાલે તારીખ 24 જાન્યુઆરી ને શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા ખંઢેર આવાસ મામલે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે.આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે, આજથી આશરે 10 વર્ષ પહેલા મોરબીમાં દલવાડી સર્કલ પાસે મોરબી નગરપાલિકા દ્વારા (IHSDP) યોજના હેઠળ જે પરિવારો જીર્ણ અને ખંડેર આવાસોમાં રહે છે તેવા પરિવારોને રહેણાક માટે 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે 500થી પણ વધુ ફ્લેટોનું ગરીબ માણસો માટે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ફ્લેટો દરવાજા અને બારી ચડાવ્યા વગરના તેમજ લાઇટની કોઈ પણ સુવિધા વગર છેલ્લા 9 વર્ષથી પડતર હાલતમાં પડ્યા હોય અને આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું પણ ઉઘરાણું કરી નાખ્યું હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો આ પરિવારોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા તેમની ટીમ સાથે પીડિત પરિવારોને સાથે રાખી શનિવારે મુખ્યમંત્રી મોરબી પધારવાના હોય ત્યારે યોગ્ય રજૂઆત કરશે અને પરિવારોને ન્યાય અપાવવા માટે યોગ્ય માંગ કરશે.જો કે આ મામલે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, આ 608 આવાસોનું નિર્માણ કરાયું છે તેનો ડ્રો 22-3-2021ના રોજ કરાયો હતો અને લાભાર્થીઓની આખરી યાદી જાહેર કરવામાં આવી છે. જે અન્વયે 608 અધુરા આવાસોનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને વર્ક ઓર્ડર આગામી સપ્તાહમાં આપી દેવામાં આવશે. ત્યારબાદ આગામી 6 મહિનામાં આવાસનું કામ પૂર્ણ કરીને આવાસની સોંપણી કરવામાં આવશે.