આંખનાં ટીપાં અને એન્ટિબાયોટિક દવાનું વેચાણ 25 ગણું વધી ગયું હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંખ આવવી એટલે કે કન્જક્ટિવાઇટિસ બીમારીએ ભરડો લીધો છે.હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં જ 100થી વધુ દર્દીની લાંબી લાઈન લાગી રહી છે.આ બીમારીનો ચેપ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી વધી રહ્યો હોવાથી સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી આ બીમારી વકરી હોવાથી ખાનગી હોસ્પિટલોમાં પણ લાઈનો જોવા મળી રહી છે.તેમજ મેડિકલ સ્ટોર્સમાં પણ આંખના ટીપાંનું વેચાણ 25 ટકા જેટલું વધ્યું છે.મોટાભાગના ગ્રાહકો મેડિકલ સ્ટોર્સ પર આંખનાં ટીપાં અને એન્ટિબાયોટિક લેવા જ આવી રહ્યા છે.જેથી મેડિકલ સ્ટોરના સંચાલકોને પણ સીઝન આવી હોય તેવું લાગી રહ્યું છે. આંખ આવવાનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.જે વ્યક્તિને આ આંખનો રોગ થયો હોય તેના સંપર્કમાં સીધી રીતે કે તેને અડકેલી ચીજવસ્તુઓથી બીજા વ્યક્તિ આવે તો તેને પણ આ વાઇરસ લપેટમાં લઈ લે છે. જેને કારણે શાળામાં આંખનો રોગ બાળકોને મોટા પ્રમાણમાં જોવા મળે છે.સાથે જ તેના કારણે શાળામાં બાળકોની હાજરી પણ પાંખી થઈ ગઈ છે.