આમ આદમી પાર્ટી દ્વારા સંબધિત તંત્રને રજુઆત કરતા યોગ્ય કરવાની ખાતરી અપાઈ મોરબી : માળીયાના દેરાળા ગામે રેશન કાર્ડ ધારકોને રેશનિંગનો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ ઉઠી છે અને રેશનકાર્ડ ધારકોને રેશનિંગના જથ્થાથી વંચિત રાખતા હોવાની ફરિયાદ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સંબધિત તંત્રને રજુઆત કરવામાં આવી છે. માળીયાના દેરાળા ગામે છેલ્લા ઘણા સમયથી 150 થી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોને રેશનિંગ મળતું ન હોવાની ફરિયાદ સાથે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ઉપપ્રમુખ જશવંતભાઈ કગથરા, મોરબી જિલ્લા સોશ્યલ મીડિયાના પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા દ્વારા ગ્રામજનોને સાથે લઈને સંબધિત તંત્રને રજુઆત કરવામાં આવી હતી અને જરૂરતમંદ પરિવારોને રાશન અને વિધવા બહેનો મળતી સહાય બાબતે પણ વિસ્તૃત રજુઆત કરી હતી. જે બાબતે તંત્રએ હકારાત્મક અભિગમ દર્શાવી જરૂરતમંદ પરિવાર સુધી યોગ્ય સહાય પહોંચે તેવી વ્યવસ્થા કરવાની બાહેધરી આપી હતી.