ભારતના કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી : નિર્ણય પાછો નહીં ખેંચાય તો સંઘર્ષનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી (આપ) ના પ્રદેશકિસાન સંગઠન પ્રમુખ રાજુભાઈ કરપડા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ભારત સરકારના વિદેશી કપાસ પરના તમામ વેરાઓ નાબૂદ કરવાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીએ આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે અને જણાવ્યું છે કે આ નિર્ણય ભારતના, ખાસ કરીને ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે અત્યંત નુકસાનકારક સાબિત થશે.આપ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યા મુજબ, ભારતમાં કપાસનું ઉત્પાદન દેશની કુલ જરૂરિયાત કરતાં થોડું વધારે થાય છે. આવા સંજોગોમાં વિદેશથી વેરામુક્ત કપાસની આયાતની પરવાનગી આપવી એ ખેડૂતો માટે 'મરણતોલ ઘા' સમાન છે. આ નિર્ણયથી ભારતના કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.પાર્ટીએ વડાપ્રધાનના એ વચનની યાદ અપાવી છે કે તેઓ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણય વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આપેલા વચનથી વિપરીત હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમેરિકન ખેડૂતોને વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતો આવી સબસિડી વગર સ્પર્ધામાં ટકી શકશે નહીં. ઓક્ટોબર માસમાં ગુજરાતનો કપાસ બજારમાં આવશે તે પહેલાં જો સસ્તો આયાતી કપાસ બજારમાં આવશે તો સ્થાનિક ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળે. તેમજ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાના ભારત પર થતાં દબાણને વશ થઈ આ નિર્ણય લેવાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આમ આદમી પાર્ટીએ આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો સંઘર્ષનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પક્ષે આશા વ્યક્ત કરી છે કે સરકાર ખેડૂતોના હિતમાં આ નિર્ણય રદ કરશે અને દેશના આર્થિક તથા વ્યાપારિક હિતોનું રક્ષણ કરશે. હાલના આર્થિક માહોલમાં નાના ઉદ્યોગો અને વેપારીઓ પહેલેથી જ સંકળામણમાં છે ત્યારે કૃષિ ઉદ્યોગને પણ નુકસાન પહોંચે તે દેશના લાંબાગાળાના હિતમાં નથી તેમ પત્રમાં જણાવ્યું છે.