ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના યુવાનની પોલીસે અટકાયત કરી મોરબી : સાળંગપુરમાં હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિ નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રમાં હનુમાનજી મહારાજને નીલકંઠવર્ણીને પ્રણામ કરતાં બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે આજે એક યુવાને આ વિવાદિત ચિત્રો ઉપર કાળો રંગ ફેંકી લાકડીઓ ફટકારતા પોલીસે એક યુવાનની અટકાયત કરી હતી. રામભક્ત હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્વામિનારાયણના સેવક તરીકે દર્શાવવાનો વિવાદ દિવસે દિવસે ઘેરો બની રહ્યો છે ત્યારે આજરોજ સાળંગપુર નજીકના ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના યુવાને હનુમાનજીના ભીંતચિત્રો પર પહેલાં કાળો રંગ ફેંક્યો હતો અને બાદમાં વિવાદિત ચિત્રો ઉપર લાકડીના ઘા માર્યા હતાં. જે બાદ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેની અટકાયત કરી હતી. નોંધનીય છે કે, સાળંગપુર વિવાદ બાદ હાલમાં DySP સહિતના અધિકારીઓને મંદિર પરિસર ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, વિવાદ શરૂ થયા પછીના પહેલાં શનિવારે સાળંગપુર હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં. જેને લીધે મંદિર પરિસરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.