પાંચ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી : નવા વર્ષના પ્રારંભે જ પરિવારમાં ઘેરો શોક હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામના આશાસ્પદ યુવાનના બાઈક આડે ખૂંટિયો આવતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 37 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાનના અકસ્માતે મોતને પગલે પરિવાર સહિત ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા મુન્નાભાઈ વજુભાઈ ઉડેચા (ઉં. વ. 37) ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ હળવદ થી બાઇક લઈ રાણેકપર જઈ રહ્યા હતા. ત્યારે રોડ પર આવેલા રામવીલા બંગ્લોઝ પાસે બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે મુન્નાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ હળવદ અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેઓનુ મોત નિપજ્યું હતું.બીજી તરફ પરિવારનો આધાર સ્તંભ એવા મુન્નાભાઈનું નવા વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે જ અકસ્માતે મૃત્યુ થતા ચાર દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ ત્રણ બહેનો અને બે ભાઈઓએ પણ ભાઈ ગુમાવ્યો છે. જેથી પરિવારની સાથે સાથે ગામમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.