છોટાઉદેપુર પોલીસે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હળવદ : ધંધુકા બરવાળામાં લઠ્ઠાકાંડના હાહાકાર વચ્ચે હળવદ તાલુકાના મેરૂપર ગામે દારૂ પીધા બાદ વાડીએ પહોંચેલા છોટાઉદેપુરના શ્રમિકનું મૃત્યુ નિપજતા આ મામલે છોટા ઉદેપુર પોલીસે હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર પોલીસ મથકના પીએસઓ કિરણભાઇ છનાભાઇએ હળવદ પોલીસ મથકને જાણ કરી જણાવ્યું છે કે, જગદીશભાઇ ભગાભાઇ વણકર ઉ.40 રહે. ધંધોડા મંદિર ફળીયુ તા.જી.છોટાઉદેપુર વાળાનું ગત તા.26 જુલાઈના રોજ હળવદ તાલુકાના મેરૂપર ગામે દારૂ પીધેલી હાલતમાં વાડીએ મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ છોટાઉદેપુર પોલીસને તા.27 જુલાઈના રોજ જાણ થઈ હતી. આ મામલે હળવદ પોલીસે મેરૂપર ગામે બનેલી ઘટના સંદર્ભે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં હળવદ પીઆઇ એમ.વી. પટેલ આ મામલે તપાસ કરી રહ્યા છે.