કોયબા ગામના પાટિયા નજીક સર્જાયો અકસ્માત પતિ-પત્ની રામપરાથી વેગડવાવ આવી રહ્યા હતા હળવદ : આજે સવારના હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા પાસે એસટી બસના ચાલકે બાઈક પર જઈ રહેલ પતિ-પત્નીને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચી હતી. જોકે બાઈક પાછળ બેઠેલા મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતુ. જ્યારે બાઇક સવારને સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે ધાંગ્રધા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે રહેતા ઇશ્વરભાઇ રબારી અને તેમના ધર્મપત્ની પુરીબેન રબારી કે જેઓનું પિયર હળવદ તાલુકાના વેગડવાવ ગામે હોય જેથી તેઓ રામપરાથી વેગડવાવ આવવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારે હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા પાસે પહોંચતા વાંકાનેર- છોટાઉદેપુર રૂટની એસટી બસના ચાલકે બાઈક સવાર બંને પતિ- પત્નીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પુરીબેન ઇશ્વરભાઇ રબારી (ઉંમર વર્ષ ૪૦) નુ મોત નીપજ્યું હતું. જ્યારે ઈશ્વરભાઈને સામાન્ય ઇજા પહોંચતા પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર માટે ધ્રાંગધ્રા રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ હળવદ પોલીસને થતા ટાઉનબીટ જમાદાર ભરતભાઈ રબારી સહિતના ઘટના સ્થળે દોડી જઇ મૃતક મહિલાની લાશને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.