મોરબી : મોરબીના વતની તાલુકા વિકાસ અધિકારી મયુર ભલોડીયા (કચ્છ) અને નાયબ કલેકટર જયસુખ લીખિયા (જૂનાગઢ) દ્વારા તાજેતરમાં ઉત્તરાખંડના ઉતરકાશી જિલ્લામાં આવેલ કેદારકંથા સમિટનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ માટે ટંકારા તાલુકાના વિરપર ગામના યુવા અધિકારી અને હાલ લખપત (કચ્છ)ના તાલુકા વિકાસ અધિકારી મયુર ભાલોડીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર-જુનાગઢ મહાનગરપાલિકાના જયસુખ લીખિયા દ્વારા ગત તા. 15થી 19 માર્ચ દરમિયાન કેદારકંથા ટ્રેક (3800 M, ઉત્તરકાશી, ઉત્તરાખંડ)નું આયોજન કર્યું હતું. જેમાં પ્રથમ દિવસે તેઓ મસુરીથી 175 કિલોમીટર દુર ટ્રેકિંગના બેઝ કેમ્પ સાંકરી ગામે પહોંચ્યા હતા. બીજા દિવસે ટ્રેકિંગ ગ્રુપ સાથે તેઓએ હિમાલયના પાઈન અને દેવદારથી ગીચ જંગલમાં ટ્રેકિંગ કર્યું હતું. ટ્રેકિંગના બીજા દિવસનું રાત્રિરોકાણ 'જૂડા-કા-તાલ' ખાતે તંબુમાં કર્યું હતું. ત્યારપછીના દિવસે તેઓ મધ્યરાત્રિએ આખરી સમિટ ટ્રેક માટે નીકળ્યા હતા. અને સવારે આશરે 7 વાગ્યે સૂર્યોદય સમયે તેઓ શિખર પહોંચ્યા હતાં. ત્યાંથી હિમાલય પર્વતમાળાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. અને લગભગ માઈનસ 5 ડિગ્રી તાપમાન હોવા છતાં રોમાંચક અનુભવ થયો હતો. તેમજ પરત ફરતી વખતે બરફમાં સ્લાઈડીંગ કર્યું હતું. અને પ્રવાસ યાદગાર રહ્યો હોવાનું તેઓએ યાદીમાં જણાવાયું હતું.