અગાઉના પ્રેમ સંબંધના ખારમાં યુવતીના પરિવારજનોએ આ બાજુ કેમ આવ્યો કહી માર મારતા ફરિયાદ મોરબી : મોરબી નવયુગ સ્કૂલ પાછળ આવેલ કનેકડાની વાડી વિસ્તારમાં રામામંડળ જોવા ગયેલા સતવારા યુવાન ઉપર અહીં કેમ આવ્યો કહી અગાઉના પ્રેમ સબંધનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ પટ્ટે - પટ્ટે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ચિત્રકૂટ - 4 પાછળ આવેલી બુટાની વાડી વિસ્તારમાં રહેતો મહેશભાઇ દયારામભાઇ પરમાર તા.23ની રાત્રીએ કનેકડાની વાડી વિસ્તારમાં રમાઈ રહેલ રામામંડળ જોવા ગયો હતો ત્યારે આ વિસ્તારમાં જ રહેતા સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દિકરાએ રાત્રીના આશરે એકાદ વાગ્યાના અરસામાં મહેશને અહીં કેમ આવ્યો કહી ઢીકા પાટુનો માર મારી પટ્ટા વડે બેફામ માર માર્યો હતો. વધુમાં આ બનાવ પાછળ ફરિયાદી મહેશ પરમારને અગાઉ સુરેશ ભાણજી પરમારની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનુ અને તે બાબતે ઘરમેળે સમાધાન થવા છતાં માર મારી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદી મહેશે પોલીસ સમક્ષ જણાવતા આ મામલે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.