દર્શન યુનિવર્સિટીનો બસ ચાલક નેપાળના વતની યુવકને કચડી ફરારમોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર કબ્રસ્તાન નજીક સાતેક દિવસ પૂર્વે બેલા નજીક ફેકટરીમાં કામ કરતો યુવક રોડ પર પાર્ક કરેલી બસ પાછળ લઘુશંકા કરવા ગયો હતો ત્યારે દર્શન યુનિવર્સિટીની સ્કૂલ બસના ચાલકે આગળ પાછળ જોયા વગર બસ હંકારી મુકતા યુવક બસના જોટામાં આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતરાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા નજીક વિનઆર્ટ પેકેજીંગ કારખાનામાં નોકરી કરતા મૂળ નેપાળના વતની યુવકે જીજે - 03 - બીઝેડ - 5436 નંબરની દર્શન યુનિવર્સીટીની બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.16જુલાઈના રોજ 11 વાગ્યાના અરસામાં ફરિયાદીનો કાકાનો દીકરો ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલ કારખાનામાં રજા હોવાથી મોરબી ખરીદી કરવા માટે આવ્યો હતો ત્યારે રેલવે સ્ટેશન રોડ પર કબ્રસ્તાન પાસે પાર્ક કરેલી આ દર્શન યુનિવર્સીટીની બસની પાછળ લઘુશંકા કરવા જતા બસ ચાલકે આગળ પાછળ કે બસની નીચે જોયા વગર બસ હંકારી મુકતા બસ પાછળ લઘુશંકા કરતા ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પર ટાયરનો જોટો ફેરવી નાસી ગયો હતો.આ અકસ્માતમાં ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના બાદ સીસીટીવી ચેક કરતા દર્શન યુનિવર્સિટીની બસના ચાલકે અકસ્માત સર્જ્યો હોય બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.