તળાવીયા શનાળા ગામે બનેલ બનાવ : જતા જતા કરજ વધી ગયું હોય આત્મહત્યા કરવા જાવ છું તેવો વીડિયો પણ બનાવ્યો મોરબી : મોરબીના તળાવીયા શનાળા ગામે રહી સેનેટરીવેર કારખાનામાં કામ કરતો મૂળ રાજકોટના શાપર વેરાવળ ગામનો યુવાન ઘેરથી રાંધણગેસનો બાટલો લેવા જવાનું કહી નીકળી ગયા બાદ ઘેર પરત નહિ આવતા પરિણીતાએ ગુમસુધા નોંધ કરાવી છે. વધુમાં જતા - જતા આ યુવાને મોબાઈલમાં પોતે કરજમાં આવી ગયો હોવાનું અને આત્મહત્યા કરવા જતો હોવાનો વીડિયો પણ ઉતારતા પરિણીતાએ આ બાબતે પોલીસને જાણ કરી છે. મોરબીના તળાવીયા શનાળા ગામે સ્કોટલેન સેનેટરી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ શાપર વેરાવળના મીનાક્ષીબેન કલ્પેશભાઈ માકડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમના પતિ કલ્પેશભાઇ જયંતિભાઇ માકડીયા ઉ.35 ગત તા.20ના રોજ ઘેરથી રાંધણગેસનો બાટલો લેવા જાવ છું કહીને નીકળ્યા બાદ પરત નહિ આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. વધુમાં કલ્પેશભાઇ શરીરે પાતળા બાંધાના છે, લંબચોરસ ચહેરો છે અને વાને ઘઉ વર્ણો છે તેમજ તેમણે ડાબા હાથમાં અંગ્રજીમાં ”K” ત્રોફાવેલ છે. ઘરેથી નિકળતી વખતે આછા ટમેટી કલરનો આખી બાયનો શર્ટ અને નીચે કોફી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ હતું. ઉપરાંત ઘેરથી નીકળ્યા પહેલા મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી પોતાની ઉપર કરજ વધી ગયું હોવાનું અને તેમના પત્નીને સરકાર મદદ કરે તેવી અરજ કરી પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.