ગઈકાલે કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયા બાદ સાસરિયા પક્ષે કરેલો હુમલો ઘાતકી નીવડ્યો : હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હળવદ : હળવદના પ્રતાપગઢ ગામે યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઈકાલે યુવાન પોતાના કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલી પત્નીને તેડવા માટે તેણીના પિયર પ્રતાપગઢ ગામે ગયો હતો. ત્યારે બોલાચાલી થતા સાસરી પક્ષના લોકોએ યુવાન ઉપર હુમલો કરતા તેને તાકીદે સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં યુવાનનું મોત નીપજ્યું હતું. આથી, આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. હાલ હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ ગામે રહેતા રમેશભાઈ ફૂંકાભાઈ વાઘેલા (ઉ.વ. 40) નામના યુવાનના કૌટુંબિક ભાઈ મુન્નોની પત્ની પિયરે રિસામણે બેઠી છે. આથી, રમેશભાઈ ગઈકાલે બપોરે પોતાના કૌટુંબિક ભાઈ મુન્નાને સાથે લઈને તેની પત્નીને તેડવા પિયર હળવદના પ્રતાપગઢ ગામે ગયા હતા. જ્યાં પરિણીતાને તેડવા મામલે સાસરિયા પક્ષે બોલાચાલી કરતા મામલો વણસ્યો હતો અને ઉશ્કેરાયેલા સાસરિયા પક્ષના લોકોએ રમેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ધવાયેલા રમેશભાઈ વાઘેલાને તાકીદે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આથી, આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. અમદાવાદ ખાતે હતભાગી યુવાનનું પીએમ કરવામાં આવ્યું છે. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ફરિયાદ લેવા અમદાવાદ પહોંચી છે. જો કે આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ જ બનાવ વધુ સ્પષ્ટ થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.