કારખાનેથી દૂધ લઈને પરત ઘેર જતી વખતે સર્જાયો અકસ્માત, પટેલ પરિવારમાં અરેરાટી મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે પ્લાયવુડના કારખાનામાં નોકરી કરતા અને 15 દિવસ પહેલા જ લગ્નના તાંતણે બંધાનાર મૂળ ધ્રાંગધ્રા તાલુકાના વતની યુવાનનું બોલેરો હડફેટે મૃત્યુ નિપજતા પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના વતની અને હાલમાં મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે એરોન પ્લાસવુડ કારખાનામાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા દિવ્યેશભાઈ ધનશ્યામભાઇ ગોઠી ગત તા.14ના રોજ તેમના જ કારખાનામાં સાથે કામ કરતા વિપુલભાઇ વિજયભાઇ નટ્ટ સાથે દૂધ લેવા ગયા બાદ પરત ઘેર આવતા હતા ત્યારે બહાદુરગઢ ગામના પાટીયા પાસે અતિથિ પેપમીલ સામે GJ-36-V-4763 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં દિવ્યેશભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું જયારે વિપુલભાઈને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે મૃતકના મોટાભાઈ નિલેશભાઇ ધનશ્યામભાઇ ગોઠીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક દિવ્યેશભાઈ ધનશ્યામભાઇ ગોઠીના હજુ 15 દિવસ પહેલા જ લગ્ન થયા હોય તેમના પત્નીના હાથની મહેંદી પણ સુકાઈ નથી ત્યાંજ આવો ગોઝારો અકસ્માત સર્જાતા પટેલ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.