અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી હળવદ : હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે પર એકાદ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરી મૃતક યુવાનની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા યશભાઈ જેન્તીભાઈ કણઝારીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને હળવદ-માળીયા હાઈ-વે પર આવેલ જૂની એસબીઆઈ બેન્ક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ધ્રાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો. જેથી ટ્રેલરનું ટાયર યુવાનના માથા પર ફરી વળતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે હાઈ-વે પર એકાદ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેથી હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવાનની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા મોકલી આપી હાઈ-વે પર થઈ ગયેલ ટ્રાફિકજામ હળવો કરાવ્યો હતો. તો બીજી તરફ અકસ્માત સર્જી ટ્રેલરચાલક ટ્રેલર મૂકી નાસી છૂટયો હતો. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.