ભાઈ પાસેથી રૂ.4થી 5 કરોડની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કર્યાનું ખુલ્યું : તાલુકા પોલીસમાં ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધાયોમોરબી: મોરબીના પીપળી રોડ પરથી ફોર્ચ્યુનર કારમાં એક યુવાનનું ઉઘરાણી માટે અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ત્રણ શખ્સોને પકડી પાડી ભોગ બનનારને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વિગત મુજબ મોરબી કંટ્રોલ રૂમને તારીખ 13/12/2025 ના રોજ માહિતી મળી હતી કે, મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારની હદમાં આવેલ મોરબી-જેતપર રોડ પર એ.બી.સી. સિરામીક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરીને લઈ જવામાં આવ્યું છે. આ વર્ધી મળતા જ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને અપહરણકારોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.ક્રાઇમ બ્રાંચની ટીમે મોરબી-કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આરોપીઓ જે કાળા કલરની ફોર્ચ્યુનર કાર (રજી. નંબર GJ3FD 7997)માં અપહરણ કરીને લઈ ગયા હતા તે મળી આવી હતી. પોલીસે કારને રોકીને તપાસ કરતાં, તેમાંથી ભોગ બનનાર અમરતસીંગ ભુરો ઉર્ફે ભુરસીંગ સોંઢા (રહે. રવિનગર, મોરબી) મળી આવ્યા હતા.ભોગ બનનાર અમરતસીંગની પૂછપરછમાં જાણવા મળ્યું કે, કારમાંથી પકડાયેલા ત્રણેય શખ્સો અને બીજી એક બ્રેઝા કારમાં આવેલા અન્ય માણસોએ તેમના ભાઈ નરસિંગ ભુરજી સોંઢા પાસે રૂ.4થી 5 કરોડની ઉઘરાણી કરવા માટે તેમની સાથે જપાજપી કરી બળજબરીથી ફોર્ચ્યુનર ગાડીમાં નાંખી અપહરણ કર્યું હતું. પોલીસે તાત્કાલિક અપહરણ કરનાર ત્રણેય આરોપીઓ (1) નવઘણભાઇ ઉર્ફે ખુટીયો વેલજીભાઇ સોઢા, (2) ભગીરથભાઇ રતીલાલભાઇ ઠોરીયા, અને (3) પિયુષભાઇ હસમુખભાઇ લોરીયા (તમામ રહે. મોરબી)ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂપિયા 10,00,000ની કિંમતની ફોર્ચ્યુનર કાર અને ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 10,40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.