કાલિકા પ્લોટમાંથી દારૂની બોટલ લઈને નીકળતા જ પોલીસની ઝપટે ચડ્યો, એક નાસી ગયો મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા દારૂના ધંધાર્થી પાસેથી વિદેશી દારૂની બોટલ લઈને આલાપ રોડ ઉપર સાઈન્ટીફીક વાડી નજીક વોકળા પાસેથી પસાર થઇ રહેલા બુલેટ ચાલકને પોલીસે ઝડપી લઈ બુલેટ સહિત એક લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, પોલીસે આરોપીને પકડ્યો ત્યારે સાથે રહેલ અન્ય આરોપી નાસી જતા પોલીસે કુલ ત્રણ શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આલાપ રોડ ઉપર સાઈન્ટીફીક વાડી નજીક વોકળા પાસેથી પસાર થઇ રહેલા વજેપરમા રહેતા બુલેટ ચાલક અમીતભાઈ મોહનભાઈ ગજરાને અટકાવી તલાસી લેતા આરોપીના કબ્જામાંથી રૂપિયા 500ની કિંમતની બ્લેન્ડર્સ પ્રાઇડ દારુની એક બોટલ મળી આવી હતી. જો કે પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીની સાથે રહેલ સમીરભાઇ ગુલામહુશેન સુમરા નાસી ગયો હતો અને આરોપીએ આ દારૂની બોટલ કાલિકા પ્લોટમાં રહેતા આરોપી અસ્લમભાઈ સલીમભાઈ ચાનીયા પાસેથી ખરીદી કર્યાની કબૂલાત આપતા પોલીસે 1.05લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.