મોરબી : મોરબી તાલુકાના આમરણ નજીક આવેલા ધૂળકોટ ગામે નજીકથી બાઈક લઈને પસાર થયેલા યુવાનને બાઈક થોડું દૂર ચલાવવાનું કહેનાર યુવાનને ચાર શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધૂળકોટ ગામે સદર શેરીમાં રહેતા યોગેશભાઈ બાબુલાલ જાવીયા નામના યુવાનની બાજુમાંથી આરોપી તન્મય મગનભાઈ કોરિયાએ મોટર સાયકલ ચલાવતા યોગેશભાઈએ થોડું દૂર મોટર સાયકલ ચલાવવાનું કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું. બાદમા આરોપી તન્મય મગનભાઈ કોરિયા, મગનભાઈ ગોવિંદભાઇ કોરિયા, મયંક જીતુભાઇ કડિયા અને મયંકના ભાઈએ એકસંપ કરી ફરિયાદી યોગેશભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી લાકડી વડે તેમજ ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં યોગેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.