બાર વર્ષ પહેલાં પતિ ગુમાવનાર માતાનો આધારસ્તંભ છીનવાયો : યુવકના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતામોરબી : મોરબી શહેરમાં ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં મેઇન્ટેનન્સનું કામ કરતા આશાસ્પદ પ્રજાપતિ યુવક ફેક્ટરીની વિઝીટ કરી ઘેર પરત ફરતા હતા ત્યારે મોરબી - હળવદ રોડ પર ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે એક બોલેરો ચાલકે ઠોકર મારતા યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ યુવકે બાર વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હોય ઘરનો આધારસ્તંભ હતો. એથી પણ કરુણતા તો એ છે કે,યુવકના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.29ના રોજ મોરબી - હળવદ હાઇવે પર બાઈક લઈ ઉંચી માંડલથી ઘુંટુ તરફ આવી રહેલા બટુકભાઈ જયંતીભાઈ કણસાગરા ઉ.24ના બાઇકને જીજે - 13 - એએક્સ - 0740 નંબરની બોલેરો ગાડીના ચાલકે પાછળથી ટક્કર મારતા બટુકભાઈનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ બોલેરો ચાલક નાસી ગયો હતો.અકસ્માતના બનાવ અંગે મૃતક બટુકભાઈના કાકા કાંતિલાલ હરજીભાઈ કણસાગરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.મહત્વનું છે કે, મૃતક બટુકભાઈના પિતા જયંતીભાઈનું બાર વર્ષ પૂર્વે અવસાન થયું હોય માતાએ પેટે પાટા બાંધી પુત્રને મોટો કર્યો હતો અને ઘરના કમાવાના એકના એક આધારસ્તંભ એવા બટુકભાઈને ભણાવી ગણાવી મોટો કરી પાંચ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા.આ સંજોગોમાં કાળ બનીને આવેલ બોલેરો ચાલકે પ્રજાપતિ પરિવારનો આધારસ્તંભ છીનવી લેતા હાલમાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.