એક શખ્સે હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી લાતી પ્લોટ શેરી નં. ૮ માં રમતા બાળક સાથે બાઈક અડી જવા મામલે બાઈક ચાલક શખ્સે ઉશ્કેરાઈ જઈને બાળકના પિતા ઉપર છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવ અંગે તેણે એક શખ્સે હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મારમારીના બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ શેરી નં-૮ જોન્સનગરમાં રહેતા મહમદહનીફ યાકુબમિયા બુખારી (ઉ.વ.૨૫) એ આરોપી મકબુલભાઇ હનીફભાઇ (કબુતર વાળો) (રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં. ૮) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૦ ના રોજ મોરબીમાં લાતી પ્લોટમાં શેરી નં. ૮ માં ફરીયાદીના છોકરા શેરીમાં રમતા હોય અને આરોપીએ છોકરાને મોટર સાયકલ અડાડતા ફરીયાદી આરોપીને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી નેફામાંથી છરી કાઢી ફરીયાદીને ડાબા પડખામાં એક ઘા મારી ગંભીર ઈજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇ.પી.સી.કલમ-૩૨૪,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.