પારિવારિક કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસનો ધમધમાટહળવદ : મુળ રાણેકપર ગામના અને હાલ હળવદ શહેરમાં રહેતા એક 31 વર્ષીય આશાસ્પદ યુવાને અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવી લીધાની ઘટના સામે આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પારિવારિક કંકાસના કારણે યુવાને આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,હળવદ શહેરના વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા રાજ ઉર્ફે મોન્ટુ જાદવજીભાઈ પટેલ (ઉંમર વર્ષ 31) એ ગત રાત્રિના અંદાજે 11:30 વાગ્યાના સુમારે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના નાળા પાસે કચ્છથી અમદાવાદ તરફ જતી માલગાડીની નીચે પડતું મૂકી દીધું હતું.આ આત્મઘાતી પગલાને કારણે યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે સુરેન્દ્રનગર રેલવે પોલીસના ધાંગધ્રા હળવદમાં ફરજ બજાવતા એસ.આઈ ભરતસિંહ ભાટી હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ મેવાડા સચિનભાઈ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકની લાશને રેલવે ટ્રેક થી લઈ પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.ઘટના અંગેની પ્રાથમિક વિગતો મુજબ યુવાને પારિવારિક કંકાસથી કંટાળીને આ આત્યંતિક નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.જોકે, આ આત્મહત્યા પાછળનું સચોટ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. 31 વર્ષીય યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.