હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ ગામ પાસે આવેલી ચોકડી પર શુક્રવારની રાત્રિના સમયે ટ્રેક્ટરમાં જઈ રહેલ મૂળ મધ્યપ્રદેશના અને હાલ હળવદ પંથકમાં મજૂરી કામ કરતો યુવાન ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પડી જતા માથાના ભાગ ઈજા પહોંચી હતી. જો કે આ યુવાન ઘરે જઈને સૂઈ ગયો હતો અને સવારમાં ઓચિંતા જ યુવાન બેભાન થઈ જતા સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બનાવી જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ઝાબવા જિલ્લાના ખુમાનભાઈ રાડુભાઈ ડોડીયાર ઉંમર વર્ષ-૩૫ હળવદ તાલુકાના કીડી અને જોગડ ગામ વચ્ચે ચાલતા માઇનોર નર્મદા કેનાલના કામમાં મજૂરી કામ કરતા હોય અને કોઈ કામથી તેઓ હળવદ આવ્યા હતા.ગતરાત્રિના ખુમાનભાઈ અને તેનો મિત્ર ટ્રેક્ટર લઈ પરત જોગડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટીકર ગામ પાસે આવેલ ચોકડી પર ટ્રેક્ટર ઊભું રાખતા ખુમાનભાઈ પાછળ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા હોય જેથી તેઓ પણ નીચે ઉતરવા જતા પગ લપસતા પડી ગયા હતા.જેથી તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેઓ સારવાર લેવાના બદલે પરત તેઓના ઘરે ચાલ્યા ગયા હતા. જોકે સવારે ઊઠતાની સાથે જ તેઓ બેભાન થઈ જતા તેઓની સાથે કામ કરતા યુવાનો દ્વારા ખુમાનભાઇને સારવાર માટે હળવદ લઈ આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ ખુમનભાઇનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવી જાણ હળવદ પોલીસના કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.