જામનગરથી નીકળેલ માટેલ ધામની પદયાત્રા સંઘમાં મૃતક યુવક સેવા આપવા આવ્યા હતા ટંકારા : માટેલ ધામની પદયાત્રા માટે નીકળેલા એક સંઘમાં સેવા આપવા માટે ગયેલા જામનગરના એક યુવકનું ટંકારા તાલુકાના બંગાવડી ગામના પાટીયા પાસે પદયાત્રીઓની સેવા કર્યા પછી ડી.જે. પર રાસ-ગરબા રમ્યા બાદ એકાએક હ્રદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. જેથી પદયાત્રીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં શાક માર્કેટ નજીક ધનબાઈના ડેલા પાસેથી બે દિવસ પહેલાં નીકળેલો પદયાત્રા સંઘ માટેલ તરફ જવા નીકળ્યો હતો. આ સંઘ જામનગરથી મૂળ બંગાવડી ગામ લતીપર ટંકારા હાઈવે પાસે આવેલ સેવા કેમ્પમાં પહોંચ્યો હતો, જયાં જામનગરથી સેવા આપવા માટે પહોંચેલા મહેશભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષના યુવકનું ડી.જે. પર રાસ ગરબા રમ્યા બાદ તેને થોડું અજુગતું લાગતાં કેમ્પમાં વિશ્રામ કર્યો હતો. જે દરમિયાન એકાએક ચક્કર આવી જતાં તેઓ બેશુદ્ધ બન્યા હતા. આથી તાત્કાલિક નજીકના લતિપર આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પમાં હાજર રહેલ સેવાભાવી લોકો તેમજ મિત્ર મંડળ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા, અને ત્યાંથી વધુ સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં તેઓએ જ દમ તોડ્યો હતો અને ફરજ પરના તબીબે મહેશભાઈ ચૌહાણને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પદયાત્રીઓમાં અને તેના મિત્ર વર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા ઘણાં સમય થયા ગુજરાત સહિત સમગ્ર ભારત ભરમાં નાની વયના યુવક યુવતીઓને હાર્ટએટેક આવવાના બનાવવામાં એકાએક વધારો જોવા મળી રહયો છે.