મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા યુવાનને ટેન્કર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતુ. જો કે આ અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે મોટા ફળીયામાં રહેતો પાર્થ ઉર્ફે પીન્ટુ ગોવિંદભાઇ પરેચા ઉ.21 નામનો યુવાન પોતાનું બાઈક લઈને જુના ઘુંટુ રોડ ઉપર જતો હતો ત્યારે જીજે-12-વાય-8080 નંબરના ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારી પછાડી દઈ અકસ્માત સર્જતાં ગળા તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં આ અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક નાસી છૂટતા મૃતકના પિતા ગોવિંદભાઇ ગાંડુભાઇ પરેચાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા MVA ક-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.