વ્યસનને કારણે પતિ ત્રાસ આપતો હોવાથી મહિલાએ ઘર છોડ્યું : પિયરપક્ષ સાથે પણ સમાધાનમોરબી : મોરબીમાં માવતર ધરાવતા અને સુરેન્દ્રનગરમાં સાસરું ધરાવતા મહિલાને પાન મસાલા ખાવાની અઆદાતને કારણે પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય કંટાળી ગયેલ મહિલાએ અઠવાડિયાથી ઘર છોડી ભટકી રહ્યા હોય જાગૃત નાગરિકના કોલ બાદ મહિલાને મોરબી અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.ગત તા.21એપ્રિલના રોજ એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે, મોરબીમાં સાર્થક સ્કૂલ નજીક બાલા હનુમાન મંદિર પાસે એક અજાણી અને ગભરાયેલી મહિલા મોઢે દુપટ્ટો બાંધીને બેઠી છે. ઘટનાની જાણ થતાં જ કાઉન્સેલર જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ દેવકરણભાઈ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાનું સાસરું સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં છે અને લગ્નને 25 વર્ષ થયા છે. પતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી નાની-નાની વાતોમાં, ખાસ કરીને મહિલાની મસાલો ખાવાની ટેવ બાબતે અવારનવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ અપાતો હતો. આથી કંટાળીને તે એક સપ્તાહથી કોઈને કહ્યા વિના ચોટીલા, દ્વારકા અને બાદમાં મોરબી આવ્યા હતા.વધુમાં મહિલાનું પિયર મોરબીમાં જ હતું, પરંતુ અગાઉના ઝઘડાઓને કારણે તે સાત વર્ષથી પિયર આવતા ન હતા. જો કે, અભયમ ટીમે મહિલાના ભાઈનો સંપર્ક કરી પિયર પક્ષને સમજાવ્યા હતા. બાદમાં મહિલાના પતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું અને પત્ની સાથે ગેરવર્તન ન કરવા કડક શબ્દોમાં સમજાવતા સુરેન્દ્રનગર રહેતા પતિએ પત્નીને સવારે પિયરેથી તેડી જવાની ખાતરી આપી હતી.અભયમ ટીમની દરમિયાનગીરીથી મહિલાને સુરક્ષિત રીતે તેના પિયરપક્ષને સોંપવામાં આવતા પરિવારે અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.