મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના NSS એકમ દ્વારા આજરોજ 3 જાન્યુઆરીના રોજ લગ્ન ગીત ગાયન અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની પરંપરા જાળવી રાખવા લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા થાય તે માટેનો હતો. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલી સ્વયંસેવિકા બહેનો લગ્ન ગીતો વધુને વધુ શીખે અને ગાતી થાય તે માટે આજના કાર્યક્રમમાં સમજાવવામાં આવ્યું હતું. આ માટે NSS એકમ દ્વારા આગામી દિવસોમાં તાલીમ અને લગ્ન ગીતોની પ્રેક્ટિસ કરાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લગ્ન ગીતો પર પીએચ. ડી. કરનાર કોલેજના પ્રાધ્યાપક ડો. રાજાભાઈ કોડિયાતરે તજજ્ઞ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સ્વયંસેવક દ્વારા ઓછામાં ઓછું કોઈપણ એક ગાયન રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરિયા તથા ડો. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.