ટંકારા : અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર તથા ગુજરાત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસરે સરદાર સાહેબના વિચાર, કાર્ય અને રાષ્ટ્રનિર્માણના આદર્શોને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે રાજ્યભરમાં વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ રાજ્યવ્યાપી પદયાત્રાનો શુભારંભ 9 નવેમ્બર 2025ના રોજ જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાંથી થવાનો છે. ત્યારબાદ રાજ્યની તમામ વિધાનસભા બેઠકોએ 10 નવેમ્બરથી 18 નવેમ્બર 2025 સુધી પદયાત્રાઓ યોજાશે. આ યાત્રાઓ દરમિયાન સરદાર સાહેબના જીવન, તેમના ખેડૂત આંદોલનના સંઘર્ષ, 562 રજવાડાઓના વિલીનીકરણ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન પર વિવિધ કાર્યક્રમો યોજાશે.ત્યારે ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં આ પદયાત્રા 17 નવેમ્બર 2025ના રોજ વહેલી સવારે યોજાશે. કાર્યક્રમની શરૂઆત ટંકારા ગુરુકુલ ખાતે પ્રેરણાત્મક સંબોધનથી થશે, જેમાં સ્થાનિક આગેવાનો તથા વિદ્વાનો સરદાર સાહેબના જીવનદર્શન પર વિચારો વ્યક્ત કરશે. ત્યારબાદ કલ્યાણપુર ખાતેથી પદયાત્રા શરૂ થઈ જબલપુર અને હરબટીયાળી ખાતે સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચશે. માર્ગ દરમિયાન યાત્રાળુઓ રાષ્ટ્રભક્તિ ગીતો ગાઈ અને પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજ્ય સેવકો, પ્રજા પ્રતિનિધિઓ, યુવાનો તથા સરદાર પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ પદયાત્રાઓ દ્વારા ગુજરાતના દરેક ખૂણામાં સરદાર પટેલના આદર્શોનો પ્રચાર થશે અને યુવા પેઢીને રાષ્ટ્રસેવાના માર્ગે પ્રેરણા મળશે. આ કાર્યક્રમ દ્વારા ભારત સરકારની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિચારધારાને નવી ઊર્જા મળશે.