કોરોના કહેર વચ્ચે બ્લડ બેંકની અછતને પહોંચી વળવા ઉદ્યોગપતિઓએ આગળ આવીને રક્તદાન કર્યું મોરબી : મોરબીમાં કોરોના મહામારીને પગલે મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાઈ છે ત્યારે સિવિલમાં આવતા દર્દીઓને જરૂરિયાતના સમયે રક્ત મળી રહે તે માટે પીપળીયા ખાતેના ઉધોગકારોએ રક્તદાન કેમ્પ યોજવાની પ્રેરણાદાયી પહેલ કરી હતી. જેમાં આજે પીપળીયા ખાતે વૂડપલ્પ પેનલ દ્વારા સ્વૈચ્છીક રકતદાન કેમ્પ યોજાયો હતો અને જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરિયાત સમયે રક્ત પૂરું પડવા માટે ઉદ્યોગકારો સહિતનાએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. કોરોના મહામારી વચ્ચે તમામ બ્લડ બેંકમાં બ્લડની અછત વર્તાઈ છે. ત્યારે આ અછતને પહોંચી વળવા મોરબી તાલુકાના પીપળીયાના યુવા ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે અને પોતાની વૂડપલ્પ પેનલ ખાતે સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પમાં ૪૪ બ્લડની બોટલ એકત્ર થઈ હતી.જે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે બ્લડની જરૂર હોય તેવા દર્દીઓને નિઃશુલ્ક રીતે ઉપયોગમાં લેવામાં આવશે. આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના પેથોલોજિસ્ટ ડૉ. કપિલભાઈ બાવરવા, લેબ ટેક. એસ.ઓ.રૂપાલા, એકતા ચાપાણી, જાનકી બજાણીયા, વી.કે.ત્રિવેદી, હાર્વિ શેરસિયા, આરીફભાઈ પલેજા અને ઇન્દ્રજીતસિંહ સહિત સ્ટાફે રકતદાન કેમ્પમાં દિલદાર રક્તદાતાઓનું રક્ત એકત્ર કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સરકારની ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સંચાલકો તરફથી દરેક રક્તદાતાઓને સુંદર મજાની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના ઇન્ચાર્જ પેથોલોજિસ્ટ ડૉ. કપિલ બાવરવાએ સામાજિક સંસ્થાઓ અને ફેકટરી સંચાલકોને સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવા અનુરોધ કર્યો છે. આ કેમ્પને સફળ બનાવવા વૂડપલ્પ પેનલના તુષારભાઈ વિરસોડિયા, ઉપેન્દ્રભાઈ ધમાસણા, મિહિરભાઈ અધારા, દિનેશભાઈ ધમાસણા, મુકેશભાઈ, સાવનભાઈ કાસુંદ્ર, શંકરભાઇ પરેચા સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી.